Posted by: Bagewafa | સપ્ટેમ્બર 7, 2013
હાજર રહીને હું અહીં હિજરત કરી ગયો.’અનિલ’….મુહમ્મદઅલી વફા
<
હાજર રહીને હું અહીં હિજરત કરી ગયો.’અનિલ’….મુહમ્મદઅલી વફા
વિખૂટા પડેલા બધા શે’ર મારા
હવે શેષ માત્રહું મકતો રહું છું
……રતિલાલ’અનિલ’
હા મુ.રતિલાલ’અનિલ’29 ઓગસ્ટ 2013ના હિજરત કરી ગયા.પણ ગુજરાતી સાહિત્યમાં એટલો મોટો વારસો મૂકી ગયા છે કે એમની યાદ વરસો સુધી ગુજરાત,ગુજરાતી અને ગુજરાતી સાહિત્યમાં હાજર રહેશે.એમનું ગુજરાતી સાહિત્યમાં સચવાયેલું બહુ માર્ગી વિપુલ સર્જન વરસો સુધી એની છડી પુકારશે.શયદાથી આદિલયુગ સુધી એમણે ગઝલ (નઝમ,મુક્તક,કતઅ).લખી.ગુજરાતી ભાષાનાં શાયરોને સમ્રાટ, ગાલિબ,શહેનશાહ,શહીદ એવા ઘણાં ઇલ્કાબોથી નવાજવામાં આવ્યા.’અનિલ’એવા કોઈ ઇલ્કાબના મોહતાજ ન હતા અને નથી.’રસ્તો‘ગઝલની પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે તેમ-એ મુશાયરામાં અભદ્ર ચેન ચાળા સાખી શકતા નહિ-અને મુશાયરો છોડી સુરત પહોંચતા સુધી ગાડી માંજ ’રસ્તો’ગઝલ લખી.
‘ડમરોને અને તુલસી’(જેમાં આપેલ છંદ સમજૂતિથી મેં અરબી ફાએલાત શીખેલી)‘રસ્તો‘ અને ‘અલવિદા‘ નાં એમનાં કાવ્યોનો સંપુટ ઉર્દૂનો સમોવડિયો છે.
1959માં સુરત રંગ ઉપવનમાં રાંદેરની અમારી એમ.એમ.પી.હાઈસ્કૂલ થકી સંચલિત મુશાયરામાં પ્રથમ એમને સાંભળેલા.એ મુશાયરો મારી જિંદગીનો ઘણો યાદગાર અને ‘માઇલસ્ટોન’મુશાયરો હતો.મુ.બેકાર સાહેબને 1955માં(મુશાયેરીમાં) કિશોરાવસ્થામાં સાંભળી ચૂકેલો.સુરતના મુશાયરામાં ગુજરાતીનાં દિગ્ગજ શાયરો- બેકાર,આસિમ રાંદેરી, શૂન્ય પાલનપુરી.ઘાયલ.શેખાદમ આબુવાલા(જર્મનીથી આવ્યા હતા),હાફિજશાદ સાહેબ(નેશનલ ડેરી વાળા),દીપક બારડોલીકર,અકબરઅલી જશદણવાલા,ગની દહીંવાળા,મસ્તહબીબ સારોદી,નિસાર અ.શેખ(શેખચલ્લી) વિ.
એ પછી સુરતનાં અભ્યાસ કાળ દરમિયાન હિન્દુ મિલન મંદિરમાં થતા મુશાયરાનાં કાર્યક્રમોમાં અનિલ સાહેબ,ભગીરથ,પ્રી.ચીમન લાલ વ્યાસ,પ્રો.જયંત પાઠક,સરોજ પાઠક,પ્રો.ઉશનસ,પરિમલ વિ.ને સાંભળવા અમે અચૂક જતા..
મહાગુજરાત ગઝલ મંડળના જન્મ કાળથી જ.આઈ.ડી.બેકાર સાહેબ આજન્મ પ્રમુખ અને અનિલ સાહેબ આજન્મ મંત્રી રહ્યા.આ સફરના સાથીઓ (બેકાર,અનિલ,શેખચલ્લી,મસ્તહબીબ સારોદી,સીરતી,મુસા બના,બેબાક રાંદેરી,સગીર)એ ગુજરાતી ગઝલને મુંબઈથી કચ્છના દરિયા કિનારા સુધી પહોંચાડવાનું કામિયાબ બીડું ઝડપેલું.
મુંબઈનો કિલ્લો સુરતથી મુંબઈના હિજરતીઓ અમીન આઝાદ(અનિલ સા.ના.ઉસ્તાદ)આસી,મરીઝને મુંબઈના બદરી કાચવાલા,પાલનપુરી શાયરો(શૂન્ય,સૈફ)શયદા,બેફામ,અમીરી વિ..એ સર કરી લીધેલો.
કાઠિયાવાડના મેમણ બંધુઓ (ગુજરાતી કવિઓ) જોડાયા.
મુ.પ્રા.વિ.પ્ર.ત્રિવેદીની શરૂઆતમાં ગઝલ પ્રત્યેની સૂગ ને પછી શ્રીસુ.જોષી ની ટીકા કે ગઝલમાં (sustained excellence)નથી.પણ ગુજરાતી ગઝલ ગુજરાતનો કિલ્લો સર કરી કરાંચી પહોંચી ગઈ.
ગુજરાતી ગઝલ કાફલામાં 1964 પછીનાં ગાળામાં અમદાવાદમાંથી’રે’મઠ વાળાઓએ બગાવત કરી.ગુજરાતી ગઝલનો ઝંડો અમદાવાદ ,વડોદરામાંએ ગાડી દીધો.
બેકાર સાહેબ અને અનિલ સાહેબની નિષ્ઠાએ એમાં અપૂર્વ ભાગ ભજવ્યો છે.
‘65થી ’72 સુધી ભારત નિવાસ દરમિયાન અનિલ,બેકાર,મસ્ત હબીબ સારોદી.મસ્ત મંગેરા,રાઝ નવસારવી,અને સમવયસ્કોમાં અદમ ટંકારવી,મહેક ટંકારવીની ઘણી હૂંફ રહી.
આ મહા ગુજરાત ગઝલ.મંડળના વડીલો સામે કઠોરનો’67નો મુશયરામાં મારી પ્રથમ ગઝલ(મસ્ત હબીબ સાહેબની ઇસ્લાહ થયેલ)રજૂ કરવાની તક મળી.જંબુસર ફેબ્રુ.1968નો મુશાયેરો યાદગાર અને શાનદાર હતો.રૂસ્વા મઝલૂમી,શૂન્ય પાલનપુરી,અકબરઅલી જશદણવાલા,અમૃત ઘાયલ અને આ સુરતી વડીલ શાયરો સામે ‘કોના વિચારે હસતું વદન હતું’પંકિત પરના તરહી મુશાયરામાં મને પેશ કરવામાં આવ્યો.
ગુજરાતી ગઝલનો ઇતિહાસ લખવાનો આશય નથી. પરંતુ આ મુશાયરા પ્રવૃત્તિમાં અનિલ સાહેબ જેવા ગંભીર,તત્વજ્ઞાની અને શયદા પછી જેનું નામ લઈ શકાય એવા મુખ્લિસ શાયરનાં હળવા,હસમુખ,વ્યંગબાણ ચલાવતા,વિનોદી સ્વભાવનો તઝકરો કરવો છે..
‘એન ઘેન દીવા ઘેન તારા મનમાં કોણ છે?પોપટ લાલ! પોપટ હોય તો ઊડી જા ..ફરરર..
એન ઘેન દીવા ઘેન તારા મનમાં કોણ છે?ચોખાવાળા! ચોખો હોય તો રાંધી ખા,.
1963નો શાયદ ઓગસ્તનો મહિનો હશે,સુરત ચોકમાં રામભરોસે હોટલની સામે આવેલી પીતીસી કૉલેજ આગળના ફૂટપાથ પર મારો અને મારા મિત્ર અ.સત્તારનો’અનિલ’ સાહેબ સાથે ભેટો થઈ ગયો..મેં ભાઈ અ.સત્તારને ઓળખાણ કરાવી આ ‘ગુજરાત મિત્ર’ના વશિષ્ઠ પત્રકાર અને ઉચ્ચ કોટિનાં શાયર છે.બુધવારનું ચોથું પાનું(જે અમે રસથી વાંચતા) તે આખું એઓ લખે છે.અનિલ સાહેબને સલામ કરી અમે બન્ને એ હાથ મેળવ્યા.મેં આગ્રહ કર્યો કે સાહેબ-રામા ભરોસેમાં થોડી ચા પી લઈએ.એમણે મોઢામાંનો પાનના ડૂચા તરફ ઇશારો કરતાં કહ્યું કે –હવે ચા ના પિવાય.મોમાં પાન ઠાંસેલું છે.એ મંગળવારની સાંજ હતી.મેં સીધોજ સવાલ કર્યો-સાહેબ આવતી કાલે બુધવારનાં’ગુજરત મિત્ર.માં ‘મરક મરક’માં શું લખ્યું છે?.અને અનિલ સાહેબે કોઈ પણ સંકોચ વગર ઉપર લખેલા વાક્યો ઉચ્ચાર્યા અને આખો લેખ લગભગ બોલી ગયા.
શ્રી બળવંત મહેતા(તત્કાલીન મુખ્યપ્રધાન-ગુ.રા.)એ સુરત સુધરાઈના આ બન્ને મહાનુભાવને અમદાવાદ તેડી(ગાંધી નગર બનતું હતું)ગૃહ પ્રધાન અને શિક્ષણ પ્રધાન બનાવી દીધા હતા.અને સુરતને આ બન્ને મહાનુભવોની તે વેળા મોટી ખોટ પડી હતી.આ બનાવનું વર્ણન જે વ્યંગાત્મક-હાસ્યમય શૈલીમાં કરેલું તે હજી સ્મરે છે.
એક મુશાયરામાં ખિસ્સામાંથી રૂપિયાનો સિક્કો કાઢી આંગળીથી ઉછાળી ટકોરો મારી ચેક કર્યો.પછી સમજૂતી આપી પંડિતજી(જ.નહેરુ)એમની હયાતીમાં ટી.ટી.કૃષ્ણમાચારીને(નાણાં પ્રધાન)ને ખૂબ ખખડાવતા.પંડિતજીની ધાક એવી કે નાણાં પ્રધાન કશું બોલી શકતા નહિ.એમનાં અવસાન પછી ટી.ટી. એ બદલો લેવા પંડિતજીની ટોપી વગરની છબિ સિક્કા પર કોતરાવી. હવે ટી.ટી.એમને રોજ આ રીતે ખખડાવે છે.
ફેબ્રુ..1968ના જંબુસરના મુશાયરામાં 20થી 25 શાયરોનો ઝમેલો હતો.જ.અકબરઅલી જશદણવાલા(એક વેળાના ગુ.ના મત્સ્ય ઊધ્યોગ ખાતાના પ્રધાન)સચાંલક હતા.એમણે પોતાની ગઝલ રજૂ કરતાં એમનો મશ્હૂર શેર’જમાનાને કહી દો કે હકીકતમાં હું અકબર છું’ લલકાર્યો. હું ડો..અદમ ટંકારવીની બાજુમાં બેઠો હતો.’અનિલ’સાહેબે જોરથી ટીખળ કરી –અરે આ અકબર સાહેબતો પોતાનાં નામનું એફિડિવિટ’ કરે છે.તે પણ ગઝલમાં.ડાયસ પર બધા માંડ માંડ હાસ્ય રોકી શક્યા.
ગની ચાચાને શ્રી ઉમાશંકર જોષી સાહેબે ગુજરાતનું‘બુલબુલ’ના ટાઇટલથી નવાજ્યા.અને ગની સાહેબનું એક ગીત’ભિખારણ’(જાણકારો એવું કહેતા કે એ કોઈ ગુજરાતી ફિલ્મનું ગીત’હું રડતી રઝળતી વાર્તા’જેવું હતું’)વિવેચકોમાં અનિલ સાહેબ અને મસ્ત હબીબ સારોદી સાહેબ આ ગીતનાં હકીકત દોષ પર તીખું વિવેચન કરી ચૂક્યા હતા)અનિલ-હબીબની જોડીએ મુ.ઉ.જોષી સાથે આ ગીત અંગે ઘણો સાહિત્યિક-વિવેચકીય ઊહાપોહ કરી ખુલાસાઓ માંગ્યા. જોષી સાહેબ પાસે જવાબ ન હતો..
ત્રણેક વરસ પહેલાં મારો ગઝલ સંગ્રહ(કોને મળું?) ‘આવાઝ ’પ્રકાશન તરફથી જ.મસ્ત મંગેરા સાહેબે પ્રકાશિત કરેલો. એ અંગે .મેં એમને મોબાઈલ પર ફોન કરેલો.એ સુરત મુ.’અનિલ’સાહેબ પાસે બેઠેલા.એમણે વાત કર્યા પછી અનિલ સાહેબને ફોન આપ્યો.મને કહે કે લો ‘અનિલ’સાહેબ સાથે વાત કરો.અનિલ સાહેબની કાનની તકલીફ છતાં સરળતાથી વાતા કરી. ખબર અંતર પૂછ્યા.પૂછ્યું-ઇંડિયા ક્યારે આવો છો?મેં કહ્યું સાહેબ હું આવીશ ત્યારે આપને જરૂર મળીશ.સંજોગ વસાત હું ભારત જઈ શક્યો નહિ.અને અનિલ સાહેબ હિજરત કરી ગયા.પણ હજારો મિત્રો,ચાહકો માટે ‘આટાનો સૂરજ’ હાજર રહેશે.અને અલવિદા તો ફકત દેહની થઈ છે.
નોંધ:40 વરસ પછી ભૂતકાળનાં ધુમ્મસમાંથી યાદોની બારાતને શોધવામાં રહી ગયેલી તમામ ક્ષતિ માટે ક્ષમા યાચના.ગની ચાચા હમેશા મુરબ્બી મિત્ર રહ્યા.એમનો પ્રસંગ ‘અનિલ’સાહેબનાં નીડર વિવેચન ટાંકવા લખ્યો છે
બ્રામ્પટન(ટોરન્ટો)કેનેડા 6 સપ્ટે.2013.
જંબુસરના મુશાયરાની વિગત માટે નીચેની લીંક કલીક કરવા વિનંતી:
કઠોરના મુશાયરાની વિગત માટે નીચેની લીંક કલીક કરવા વિનંતી:
Like this:
Like Loading...
Related
દેશમાં હતા ત્યારે ગુજરાતમિત્રમા અનિલ સાહેબની ગઝલ વાંચવાનુ ચુકતો નહિ. સદગતને પરમ શાંતિ મળે એજ પ્રાર્થના.
By: Babu on સપ્ટેમ્બર 8, 2013
at 11:00 એ એમ (am)