Posted by: Bagewafa | એપ્રિલ 19, 2013

ગઝલ:ઘૂંટવાની વાત થઈ‌‌‌—–મુહમ્મદઅલી વફા

ઘૂંટવાની વાત થઈ‌‌‌—–મુહમ્મદઅલી વફા

ઝાંઝવામાં હોઠની આ ડૂબવાની વાત થઈ,

ગાગરો ખાલી નયનની  ફૂટવાની વાત થઈ.

 

જોડણી પૂંછાય ગૈ  ઢાઈ અક્ષરની પ્રિયે

એકડો આતો ફરીથી ઘૂંટવાની વાત થઈ.

 

પ્રસરે નહિ એ શબદ મહિ રૂપ રંગો ને મહેક,

કાગઝી આ ફૂલને બસ સૂંઘવાની વાત થઈ.

 

અત્તરોની વારતા માંડી તમે તો બાગમાં,

મોગરાની આ કળી ને ચૂંથવાની વાત થઈ

 

ચાલતા જે  રાહ પર તેના ઉપર ભૂલા પડયા

જાણતા  જે પણ હતા  તે પૂછવાની વાત થઈ.

 

નામ એના  દર્દનું ક્યાં તેં વફા પૂછી લીધું?

આંખની શીશી બધી ની તૂટવાની વાત થઈ.


શ્રેણીઓ

%d bloggers like this: