દવા શોધી તમે લેજો—મુહમ્મદઅલી વફા
બધા આ લાગણીનાં બંધનો જોડી તમે લેજો
અમે લેશું હલેસું તો પછી હોડી તમે લેજો
મળે જે પણ મુકદ્દરથી વહેંચીને ભલા પીશું,
બધા વિષના કટોળાઓ જરા શોધી તમે લેજો.
પછી આ ફૂલની ખૂશ્બૂ થકી મ્હેકી જશે ગુલશન,
ઊગેલા દ્વેષનાં કંટક બને તોડી તમે લેજો.
પ્રણયની આ રમતમાં તો ઘણી એ વેદના થાશે,
દરદ આપું તમોને હું, દવા શોધી તમે લેજો
હ્રદયનું રક્ત બાળીને,તમોને યાદ પણ કરશું,
વિરહનાં અશ્રુ ભીનામાં નયન બોળી તમે લેજો.
વફા આ જિંદગીની કટુ સફર ગુલતાન થૈ જાશે,
અમારી પાંખ સાથે પંખ તમ જોડી તમે લેજો.
લગાગાગા- લગાગાગા- લગાગાગા- લગાગાગા
2માર્ચ2013
Courtesy:
http://bazmewafa.wordpress.com/2013/03/26/tarahi-kalmi-mushayero-march2013/
આપના પ્રતિભાવ