Posted by: Bagewafa | જાન્યુઆરી 13, 2013

ગઝલ:દવા મળશે નહીં‌—મુહમ્મદઅલી વફા

દવા મળશે નહીં‌—મુહમ્મદઅલી વફા

માનવ તણી આંખમાં જો કૈં દયા મળશે નહીં.

આ નગરના બાગમાં તાજી હવા મળશે નહીં.

 

જો બધા આંગણ હશે રંગીન માનવ રક્ત થી,

પ્રેમનાં રાગો તણી કોઈ સદા મળશે નહીં.

 

વેદનાનો ભાર લૈ ભટકી રહી ઇન્સાનિયત,

છે બધા શાહી તબીબ કોઈ દવા મળશે નહીં.

 

જે હતું થોડું ઘણું લૂંટી ગયા એ તેલ પણ ,

રાત છે આ ઘોર અંધારી શમા મળશે નહીં.

 

એ વસેલો છે સદા સાચા હ્રદયની ઓથમાં,

શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહીં.

 

સાગરો જાશે વહી અહિથી બધાયે પેયના,

પ્યાસથી ઘેરાયલા હોઠે સુરા મળશે નહીં.

 

મંદિરો ને મસ્જિદોને  તોડશું જો આપણે,

ઘંટનાદો ના થશે અહિયાં અઝાં મળશે નહીં.

 

જેમના હાથો મહીં દીધા હતા દિલનાં રતન

હા વફા બસ એમની પાસે વફા મળશે નહીં.

નોંધ:વરસો પહેલાં તરહી પંક્તિ પર ગઝલો સર્જી ગુજરાતી  મુશાયરાઓ થતા હતા1960ના આસ પાસ ‘શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહીં’ મિસ્રા પર ગઝલો રચી કોઈ મુશાયરો યોજાયો હતો.એ મિસ્રા પર કોઈ  સાહિત્ય પ્રેમી મિત્રને ગઝલ મળી આવે તો બઝમે વફા પરિવારને સાદર કરશો- આભારી થઈશ.એ રચના બઝમેવફામાં પ્રકાશિત થશે.કોઈ પણા કવિ મિત્ર આ મિસ્રાનો આધાર લઈ ગઝલ લખી મોકલશે તો એ પણા ‘બઝમેવફા’માં પ્રસિધ્ધ થશે.

ગઝલનું બંધારણા આ પ્રમાણે છે:

ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાલગા(ફાઇલાતુન-ફાઇલાતુન-ફાઇલાતુન-ફાઇલુન)રમલ મહફૂઝ છંદ 

રદીફ:મળશે નહીં  કાફિયા:સુરા,વફા,હવા,ખુદા,શમા વિ.


શ્રેણીઓ

%d bloggers like this: