ક્ષણની લગોલગ—અઝીઝ ટંકારવી
સદીઓના સબંધ ક્ષણની લગોલગ,
અહીં જિંદગી છે મરણની લગોલગ.
સમય સાગરે ખૂબ ખાધી થપાટો,
હવે મંઝિલો છે ચરણની લગોલગ..
તરસની અમાનત જુઓ સાચવી લે,
અમે શ્વાસ છોડ્યા ઝરણની લગોલગ.
સ્પર્શી જવાઈ લખોટીઓ ત્યાં તો,
પહોંચી ગયાં બાળપણની લગોલગ.
અઝિઝ જિંદગીની અંતિમ ક્ષણે પણ,
ન પહોંચી શક્યા એક જણની લગોલગ.
જ.અઝીઝ ટંકારવીની ઉપરોકત ગઝલની તઝમીન
તઝમીન : ક્ષણની લગો લગ—મુહમ્મદઅલી વફા
જુઓ ઝાંઝવાછે હરણની લગોલગ
અને પ્યાસ બળતી ઝરણની લગોલગ
બધા કાફ્લા આહ રણની લગોલગ
સદીઓના સંબંધ ક્ષણની લગોલગ
અહીં જિંદગી છે મરણની લગોલગ
અમોને મુકદ્દર ની લાધી થપાટો
બધી સાવચેતી ય લાવી થપાટો
તમારી રહમની ઉપાડી થપાટો
સમય સાગરે ખૂબ ખાધી થપાટો
હવે મંઝિલ છે ચરણની લગોલગ
અરે આ સખાવત જુઓ સાચવી લો
અને આ રફાકત જુઓ સાચવી લો
ભલે હો બગાવત જુઓ સાચવી લો
તરસની અમાનત જુઓ સાચવી લો
અમે શ્વાસ છોડ્યો ઝરણની લગોલગ
જરા જયાં ગણાઈ લખોટીઓ ત્યાં તો
કદી વેડફાઈ લખોટીઓ ત્યાં તો
બધે બધ વેરાઈ લખોટીઓ ત્યાં તો
સ્પર્શી જવાઈ લખોટીઓ ત્યાં તો
પહોંચી ગયા બાળપણની લગોલગ
.
કદી બંદગીની અંતિમ ક્ષણેપણ
અને બેકસીની અંતિમ ક્ષણેપણ
તડપતી તડપતી અંતિમ ક્ષણેપણ
અઝિઝ જિંદગીની અંતિમ ક્ષણેપણ
ન પહોંચી શક્યા એક જણની લગોલગ.
Nice gazal
By: Mukund Desai 'MADAD' on સપ્ટેમ્બર 15, 2009
at 5:34 એ એમ (am)