શબ્દો-મુહમ્મદ અલી’વફા’
કેટલા છે આ બધા ચર્ચાયલા શબ્દો
મૌનની આંખો મહીં ખડકાયલા શબ્દો
તૂટવાના તારલાની ડાળકીથી એ
ક્ષીણ ,પોલા, હોઠથી છોલાયલા શબ્દો.
વારતાના ચોસલે ઊભા અદબથી એ
બાળપોઠી માં સડે રઘવાયલા શબ્દો
હોય ગાલિબ ની ગઝલ દોહા કબીર તણા
આવશે ભાવો મહીં ખોવાયલા શબ્દો..
વાગશે પાષાણ સમ ઘાવો કરી ઊંડા
દુશ્મનીની ગોફણે ફેંકાયલા શબ્દો
સાચવી લીધા અમે ગઝલો તણે ઝરણે
ધોધ થઇ સાગર મહીં ધર્બાયલા શબ્દો
ગોદમાં શાયર તણી બેસે નિરાંત લઇ
ભર બજારે આ ‘વફા’ નંદવાયલા શબ્દો
13જુલાઈ2008
આપના પ્રતિભાવ