ખાર ના લઇને ફરો._મુહમ્મદઅલી’વફા’
ખંડહરમાં બાઝી ગયેલા તાર ના લઇને ફરો.
જર્જરિત જૂના બધા ઇકરાર ના લઇને ફરો.
દિલ પણ કદી દીધું હશે,લીધું હશે એ પણ કબૂલ,
વર્ષો થયાં એ પ્યાર ને એ પ્યાર ના લઇને ફરો.
ફૂલો ગયાં, સૌ હાથથી, એ છે મુકદ્દરની રમત,
ચુંભી ગયો ‘તો ખાર જે એ ખાર ના લઇને ફરો.
ખૂલી જશે એ એક દિન આ ગાંઠડી વર્ષો તણી,
હોવા પણાંનો હર ઘડી આ ભાર ના લઇને ફરો.
આવી ગયાં છે ઉપકરણ નિત નિત નવા બાઝારમાં
ખંડિત થયેલી આ હવે તલવાર ના લઇને ફરો.
કંઇ કેટલી મહેફિલ મહીં આ જિંદગી છે વહેંચવી
આ જિંદગીમાં દિન ફકત બે ચાર ના લઇને ફરો.
માંગે હવે તો દર્દ પણ થોડી વધુ પીડા અહીં,
એ પ્રેમનો બીમાર છે ઉપચાર ના લઇને ફરો.
એ આવવાનું એક દિન દસ્તક જરા દીધા વગર,
એ મોતની સામે કદી પડકાર ના લઇને ફરો.
આ તો સમય નું ઉંટ છે એને વિસામો કયાં મળે,
ઓ મુસાફર રણનો બધો વિસ્તાર ના લઇને ફરો.
એતો સમાયો છે સદા એકેક કણ ને તારમાં
શોધો‘વફા’ હૈયા મહીં આકાર ના લઇને ફરો.
KABILE TARIF
By: RAMESH K. MEHTA on નવેમ્બર 22, 2008
at 2:11 એ એમ (am)
આ તો સમય નું ઉંટ છે એને વિસામો કયાં મળે,
ઓ મુસાફર રણનો બધો વિસ્તાર ના લઇને ફરો.
bahuj saras sh’er.
By: વિશ્વદીપ બારડ on જૂન 18, 2008
at 11:27 એ એમ (am)
જો છોડ્યું છે જીવન ઓ બંદા તેં ખુદા ની રાહ માં
રસ્તો છે તારો નેક, આ સંસાર ના લઈ ને ફરો.
By: RAZIA MIRZA on જૂન 16, 2008
at 11:31 પી એમ(pm)