આંખો ઉપર લખ્યું
પલકો ઉપર લખ્યું અને પાંખો ઉપર લખ્યું.
સંદેશ જયાં છાનો હતો આંખો ઉપર લખ્યું.
કાગળ અને દીવાલ પર લખવું હતું મારે,
છોડી અમે સૂરજ કિરણ , રાતો ઉપર લખ્યું.
સૌંદર્ય તણા પેગામને ફેલાવવા માટે,
ટપકું તલો નું છીનવી, ગાલો ઉપર લખ્યું.
થોડો સમય રંગ રૂપની છોડો ઉડી જાશે,
ભરખી જશે આ પાનખર બાગો ઉપર લખ્યું.
તૂટી જવાની તું ય છે પીને લહૂનો મય,
એવું કવન તલવારની જાંઘો ઉપર લખ્યું.
ખુલ્લા રહીને તુજ સફર થાશે અહીં તારી,
છોડી હવે તું દે મમત હાથો ઉપર લખ્યું.
સચવાઇ અહીં જો તું રહે તો ઠીક છે વફા,
આખું ચમન ભડથું થશે તારો ઉપર લખ્યું.
_મોહમ્મદઅલી વફા
Posted in ગઝલ