
પડઘાયા કરે
સમયના ખડકે હજી પણ યાદ પડઘાયા કરે.
કોણ આવી પાંપણોમાં રોજ ડોકાયા કરે.
આ કળીઓ તો બધી મદમસ્ત બની ગઇ બાગમાં
કેમ આવી ડાળકી પર ફૂલ શરમાયા કરે.
નિતનવા કો’ ઉપકરણ ની શોધમાં છે માનવી,
રોજ એના હાથ લોહીયાળ ખરડાયા કરે.
માનવીનાં મન હજી મળતાં નથી કો ’મંઝિલે ,
આમ તો વર્ષો થયાં ને સેતુ બંધાયા કરે
પાનખરની આગથી બાળી શકાયું એ નહીં,
લાગણીનું ફૂલ તો હર રોજ મ્હેકાયા કરે..
આગ લાગી ગઇ સબંધો ના ખંડેરો માં બધે,
ડાકણો ઇર્ષાની બધી રોજ હરખાયા કરે
ડૂબકી એણે લગાવી જઇ કદી’ મઝધારમાં,
ને કિનારે આ ‘વફા’પડછાયો ગભળાયા કરે.